બ્રેઈલ લિપિના સંશોધક લૂઇસ બ્રેઈલ અને બ્રેઈલ લિપિ વિશે. About the Louis Braille Founder of Braille lipi


 

બ્રેઈલ લિપિના પિતા લૂઇસ બ્રેઈલ વિશે  

૪ જાન્યુઆરી વિશ્વ બ્રેઈલ દિવસ
          ૪ જાન્યુઆરી ૧૮૦૯ના રોજ ફ્રાંસના પેરિસમાં લૂઇસ બ્રેલનો જન્મ થયો હતો. તેમના પિતાના કામ કરવાના સ્થળ પર તેઓ જ્યારે રમી રહ્યા હતા ત્યારે અચાનક કોઇ અણીદાર સળીયો તેની આંખમાં ઘુસી જતાં તેની એક આંખ ગુમાવી અને તેના જ ઇન્ફેક્શનમાં તેની બીજી આંખ પણ જતી રહી. આ સમયે તેમની ઉમર ખૂબ નાની હતી અંદાજે તેઓ  ત્રણ ચાર વર્ષના જ હતા. ત્યારબાદ તેમના પિતા જ તેમનો સહારો બન્યા અને ધીમે ધીમે લાકડીના ટેકા વડે તેમને ચાલતાં શીખવ્યું. આમ છતાં પણ તેઓ શિક્ષણ મેળવતા રહ્યા. અને પોતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાના કારણે લૂઈ બ્રેઈલ ફ્રાંસના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક બન્યા.

          લૂઇસ બ્રેલ કે જેમણે અંધજનો માટે એક અદ્ભુત લેખન તેમજ વાંચનની પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિને તેમના નામ પરથી  'બ્રેઈલ લિપિ' તરિકે ઓળખવામાં આવે છે. આમ આ લિપિ વિકસાવીને લૂઈસ બ્રેઈલ અંધ લોકો માટે જ્ઞાનની આંખો બન્યા. લૂઈ, જે બ્રેઈલના નિર્માણ દ્વારા દૃષ્ટિથી અંધલોકો માટે વાંચનની મુશ્કેલી દૂર કરી હતી, તે પોતે પણ અંધ હતા. તેઓ એક સાધારણ બાળક ન હતા. તેમણે બ્રેઈલ લિપિની શોધ કરવા પાછળ પોતાના જીવનનાં આઠ વર્ષ ગાળ્યાં હતાં. તેમની ધીરજ અને ખૂબ મહેનતના પરીણામે આઠ વર્ષ બાદ ૧૮૨૯માં તેમણે એક એવી લિપિ વિકસાવી હતી કે જેની મદદ વડે નેત્રહીન લોકો પણ સરળતાથી વાંચી શકે. તેમણે કાગળપર બિંદુઓને એવી રીતે ઉપસાવ્યાં હતાં કે જેને આંગળી દ્વારા સ્પર્શ કરી નેત્રહીન લોકો પ્રત્યેક અક્ષરને ઓળખી શકે. બ્રેઈલ લિપિ તૈયાર કરવાનો વિચાર લૂઈસને કેપ્ટન ચાર્લ્સ બાર્બર નામના એક નિવૃત્ત સેના અધિકારી પાસેથી મળ્યો હતો. રોયલ ઇન્સ્ટિટયૂટ ફોર બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન લૂઇસને જાણ થઈ કે એક નિવૃત્ત સેના અધિકારીએ એવી લિપિ વિકસાવી હતી કે જે રાતના અંધારામાં પણ સ્પર્શ કરીને વાંચી શકાય છે. અને આ વિચારથી જ તેમણે વિશ્વને બ્રેઈલ લિપિની અમૂલ્ય ભેટ આપી. જે પછી ઈ. સ. ૧૮૫૪માં સમગ્ર ફ્રાંસમાં બ્રેઈલ સિસ્ટમનો ઉપયોગ અંધજનો માટે થવા લાગ્યો.

          આજના સમયમાં અંધ બાળકોને શિક્ષણ આપવા માટે આ લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં બ્રેઈલ લિપિ દ્વારા તૈયાર કરેલાં અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં ધોરણ ૧ થી ૧૨ ના અભ્યાસક્રમનાં પુસ્તકો તથા વાંચન સામગ્રીના પુસ્તકો, મનોરંજનના પુસ્તકો, રામાયણ મહાભારત જેવાં ધાર્મિક પુસ્તકો પણ આજે આ લિપિમાં ઉપલબ્ધ છે. 

          આમ છ ટપકાં વાળી બ્રેઈલ લિપિ વિકસાવી અને લૂઇસ બ્રેલ વિશ્વ ભરના અંધ લોકો માટે એક આશિર્વાદ બન્યા આ લિપિ શોધ્યા પછી પણ તેમણે પોતાના જીવનનો અંતિમ સમય અંધ બાળકોને શિક્ષણ આપતી પેરિસની એક શાળામાં જ વિતાવ્યો. અને ૬ જાન્યુઆરી ૧૮૫૨ના રોજ ક્ષયરોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું.

લૂઈસ બ્રેઈલની યાદમાં ૨૦૧૯ થી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા ૪ જાન્યુઆરીના દિવસને  'WORLD BRAIL DAY' તરિકે ઊજવવાનું નક્કી કર્યું.

સંકલન -  દર્પણ એકેડમી 

ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ 


આ પણ જુઓ

શ્રીનિવાસ રામાનુજન | SHRINIVAS-RAMANUJAN

Post a Comment

Previous Post Next Post